ક્રિયાત્મક સંશોધન એ સમસ્યાના વૈજ્ઞાનિક રીતે અભ્યાસની પ્રક્રિયા છે, જેના દ્વારા વ્યવહારમાં પડેલા શિક્ષક તેના વર્તમાન વ્યવહારની સુધારણા કરવાનો નિર્ણય કરે છે. - સ્ટીફન એમ. કોર
ક્રિયાત્મક સંશોધન વ્યક્તિ પોતાના ઉદ્દેશો વધુ અસરકારક રીતે સિધ્ધ કરે તે માટે શિક્ષક પોતાના અધ્યાપનમાં અને વ્યવહારમાં સુધારણા લાવવા માટે હાથ ધરે એવું સંશોધન છે. - નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ બેઝિક એજ્યુકેશન
ક્રિયાત્મક સંશોધનનો અર્થ વધુ સ્પષ્ટ કરવા માટે ઉપરોક્ત વ્યાખ્યાઓમાંથી સ્પષ્ટ રીતે તરી આવતા ક્રિયાત્મક સંશોધનનાં લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય.
ક્રિયાત્મક સંશોધનનાં લક્ષણો
- તે શિક્ષકો અને આચાર્યોની રોજિંદા કાર્યની ઉદ્દભવતી વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ મેળવવા માટે હાથ ધરાય છે.
- તે વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે.
- તેનાથી આગળ કાર્ય ક૨વા માર્ગદર્શન મળે છે.
- તે ઉપચારાત્મક કાર્યના ભાગ સ્વરૂપે હાથ ધરાતું વ્યક્તિગત સંશોધન છે.
- અન્ય શિક્ષકો અને આચાર્યોના સહકારથી તેમાં સફળતા પ્રાપ્ત થાય છે.
- તેના દ્વારા સ્થાનિક સમસ્યાઓના વ્યવહારૂ ઉકેલ મેળવાય છે.
- તે શિક્ષણકાર્યને વધુ અસરકારક બનાવવા અને સુધારણા અર્થે હાથ ધરાય છે.
- તેનાં પરિણામોને વધુ વ્યાપક સ્વરૂપે લાગુ પાડી શકાતા નથી.
- તેના આધારે સામાન્ય સિધ્ધાંતો કે નિયમો સ્થાપી શકાતા નથી.
- તે સમય, શક્તિ અને નાણાંની દષ્ટિએ ઓછું ખર્ચાળ છે અને ખાસ નિષ્ણાતોની સલાહ વગર પણ હાથ ધરી શકાય છે.
- ટુંકમાં ક્રિયાત્મક સંશોધન એ શિક્ષકોનું, શિક્ષકો માટે અને શિક્ષકો દ્વારા હાથ ધરાતું સંશોધન છે.
ક્રિયાત્મક સંશોધનના સોપાનો
કોઈપણ કાર્ય પદ્ધતિને વૈજ્ઞાનિક સ્વરૂપ આપવું હોય તો તે ચોકકસ સોપાનોમાંજ આગળ વધવી જોઈએ. ક્રિયાત્મક સંશોધનની કાર્ય પદ્ધતિ વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય છે. માટે તે પણ ચોક્કસ સોપાનોને અનુસરે છે. આ સોપાનો નીચે મુજબ છે.
- સમસ્યા - પસંદગી (The Problem Seletion)
- સમસ્યા - ક્ષેત્ર (Problem Area)
- સમસ્યાના સંભવિત કારણો (Probable Reasons for Problems)
- પાયાની જરૂરી માહીતી એકત્રીકરણ (Base Line Data Collection)
- ઉત્કલ્પનાઓ (Fantasies)
- પ્રયોગ કાર્યની રૂપ રેખા (Action Plan)
- પૃથક્કરણ અને અર્થઘટન (Analysis and Interpretation)
- તારણ અને અનુકાર્ય (Conculations and Followup)
સમસ્યા પસંદગી :
ક્રિયાત્મક સંશોધનનું સૌથી પહેલું સોપાન છે સ્પષ્ટીકરણ શિક્ષક જે સમસ્યા ઉકેલ માટે સંશોધન હાથ ધરે છે, તે સમસ્યા સ્પષ્ટ હોવી જોઈએ. શિક્ષક ધારો કે ભાષાનું શિક્ષણ કાર્ય પોતાની રીતે કરતો હોય, પરંતુ વિદ્યાર્થીઓ તરફથી તેને અપેક્ષા મુજબનો પ્રતિસાદ ન મળે તો તે શિક્ષક માટે સમસ્યા જરૂર બને છે, પરંતુ જો શિક્ષક આ સમસ્યાને નીચે મુજબ શબ્દબદ્ધ કરે વિદ્યાર્થીઓનો ભાષાનો સિદ્ધિ આંક નીચો જોવા મળે છે તો આ સમસ્યા વધુ વ્યાપક બની જાય છે. તેમાં ભાષાના ક્યા પાસામાં વિદ્યાર્થીઓ નબળા જણાય છે તે નક્કી થતું નથી તેથી સમસ્યા વધુ સ્પષ્ટ બને તે રીતે રજુ કરવી જોઈએ. દા.ત., વિદ્યાર્થીઓ જોડણી ખોટી લખે છે.
સમસ્યા - ક્ષેત્ર :
આપણે જાણીએ છીએ કે શાળાએ શાળાએ ધોરણે ધોરણે અને વર્ષ વયે સમસ્યા જુદી જુદી હોઈ શકે. એક શિક્ષકને અનુભવાતી સમસ્યા એ બીજા શિક્ષક માટેની સમસ્યા ન પણ હોઈ શકે આથી જે સમસ્યા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરવામાં આવે છે તે કઈ શાળાના કઈ શ્રેણીના ક્યા વર્ગના ક્યા વિષયની અને ક્યા મુદ્દાને સ્પર્શતી સમસ્યા છે તેનો ઉલ્લેખ જ્યારે સમસ્યાના વિધાનમાં કરવામાં આવે ત્યારે સમસ્યા- ક્ષેત્ર સ્પષ્ટ થાય
દા.ત., સોનપુરા શાળાના શ્રેણી - ૯ ના બ વર્ગના વિદ્યાર્થીઓ ભાષા શિક્ષણમાં જોડણી ખોટી લખે છે.
સમસ્યાનાં સંભવિત કારણો :
પ્રત્યેક સમસ્યાના ઉદ્દભવ માટેનાં સંભવિત કારણો પણ આગવાં હોય છે. તેથી આ સોંપાનમાં જે સમસ્યાના ઉકેલ માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ હોય તે સમસ્યા માટેનાં શક્ય તમામ સંભવિત કારણોની યાદી તૈયાર કરવી પડે છે. આગળના સોપાનમાં દર્શાવેલી સમસ્યાના સંભવિત કારણો નીચે મુજબ વિચારી
દા.ત.
- વિદ્યાર્થીઓ જોડણી પ્રત્યે પુરતી ગંભીરતા દાખવતા નથી.
- વિદ્યાર્થીઓ જોડણીને મહત્વ આપતા નથી.
- શિક્ષકો શિક્ષણકાર્ય દરમિયાન જોડણી પ્રત્યે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરતા નથી.
- જોડણી બદલાઈ જવાથી પ્રત્યાયનમાં તફાવત પડી જાય છે, તેની સભાનતા વિદ્યાર્થીઓમાં નથી.
- શાળામાં જોડણીકોશ નથી.
- વિદ્યાર્થીઓને જોડણીકોશનો ઉપયોગ કરવાની રીત આવડતી નથી. વગેરે.
પાયાની જરૂરી માહિતીનું એકત્રીકરણ :
આ સોપાનમાં સંશોધન માટે શિક્ષકે ઉપલબ્ધ સ્રોતોનો ઉપયોગ કરી કેટલીક પાયાની માહિતી એકત્રિત કરવી પડે છે. શિક્ષકે વિચારેલાં શક્ય તમામ સંભવિત કારણોના સંદર્ભમાં માહિતી એકત્રિત કરવાની હોય છે. આ માહિતીનાં કારણો તપાસવા માટે, ઉત્કલ્પનાઓ રચવા માટે તેમજ કાર્ય તૈયાર કરવા માટે આધાર લેવાનો હોય છે. આવી માહીતી મેળવવા માટે શિક્ષકે અન્ય શિક્ષકો કે સંલગ્ન વ્યક્તિઓ સાથે ચર્ચા કરવી પડે છે. પોતાના રોજિંદા કાર્ય દરમિયાન હેતુપૂર્વકનું અવલોકન કરવું પડે છે અને પ્રશ્નોતરીનો પણ સહારો લેવો પડે છે. આગળના સોપાનોમાં ઉદાહરણ સ્વરૂપે દર્શાવેલ સમસ્યાના સંદર્ભમાં શિક્ષકે નીચે મુજબ પાયાની માહિતી એકત્રિત કરવી પડે છે.
- વિદ્યાર્થીઓની જોડણી સંબંધી ભુલોની માહિતી વિદ્યાર્થીઓના લખાણનું અવલોકન કરી મેળવવી જોઈએ.
- જરૂર પડ્યે વર્ગમાં શ્રુતલેખન કરાવીને પણ જોડણીની ચકાસણી કરી શકાય.
- વિદ્યાર્થીઓએ સ્વહસ્તાક્ષરે લખેલી નોટો તપાસવાથી માહિતી મળી શકે.
- વિદ્યાર્થીઓની અગાઉની પરીક્ષાની ઉત્તરવહીઓ જોવાથી પણ માહિતી મેળવી શકાય.
- વિદ્યાર્થીઓની જોડણી સંદર્ભે ભાષાના અન્ય શિક્ષકો સાથે ચર્ચા કરી માહીતી મેળવી શકાય.
- શાળામાં, બજારમાં કે વિદ્યાર્થીઓની પાસે જોડણી કોશ છે કે નહી, તેની તપાસ કરી શકાય.
- જોડણીકોશ હોય તો તેનો ઉપયોગ કરવાની રીત વિદ્યાર્થીઓને આવડે છેકે કેમ તે ચકાસવા વિદ્યાર્થીઓને જોડણીકોશનો ઉપયોગ કરવો પડે તેવું કાર્ય સોંપી શકાય.
આ રીતે જે - તે સમસ્યાના સંદર્ભમાં શિક્ષક પ્રાપ્ય તમામ સ્રોતોનો ઉપયોગ કરી પાયાની માહિતી મેળવી તેની નોધ રાખે જેથી સંશોધનમાં તે મદદરૂપ થઈ શકે.
ઉત્કલ્પનાઓ :
ઉત્કલ્પનાઓ માટે ધારણાઓ કે કલ્પનાઓ જેવા શબ્દો પણ પ્રયોજાય છે. ઉત્કલ્પનાઓ શરતી વિધાન સ્વરૂપ લખવામાં આવે છે. તેમાં સમસ્યા માટે જવાબદાર કારણના નિવારણ અને તેના સંભવિત પરિણામની આગાહી કરવામાં આવે છે. ઉત્કલ્પના રજુ કરતું વિધાન જો... તો... સ્વરૂપનું હોય છે. આમાં જો પછી સમસ્યાની કારઊરૂપ બાબતના ઉકેલ માટેની પ્રવૃતિ કે પ્રયુક્તિઓ દર્શાવાય છે અને તો પછી તેના પરિણામની શક્યતા દર્શાવાય છે. આ પ્રકરણમાં ઉદાહરણ સ્વરૂપે દર્શાવેલ સમસ્યાના સંદર્ભમાં જોઈએ તો નીચે જેવી ઉત્કલ્પનાઓ રચી શકાય.
- જો વિદ્યાર્થીઓમાં જોડણી પ્રત્યે ગંભીરતા લાવવામાં આવે તો વિદ્યાર્થીઓ ખોટી જોડણી લખતા અટકશે.
- જો વિદ્યાર્થીઓ તેમના શિક્ષણકાર્ય દરમિયાન જોડણી પ્રત્યે વિદ્યાર્થીઓનું ધ્યાન દોરશે, તો વિદ્યાર્થીઓની જોડણીની ભુલો ઘટશે.
- જો શાળામાં જોડણી કોશ વસાવવામાં આવે અને વિદ્યાર્થીઓને તેનો ઉપયોગ કરવાની તક આપવામાં આવે તો જોડણી દોષ ઓછા થાય.
- જો વિદ્યાર્થીઓને જોડણી ભુલોથી પ્રત્યાયન પર પડતી નકારાત્મક અસર વિશે સભાન કરવામાં આવે તો જોડણીની ભુલો ઓછી થશે.
આ રીતે જ સમસ્યાના ઉકેલ માટે શિક્ષક ક્રિયાત્મક સંશોધન હાથ ધરે તેના માટેની ઉત્કલ્પનાઓ રચી એક પછી એક ઉત્કલ્પનાઓની ચકાસણી કરવા સંશોધન યોજના તૈયાર કરી છે, જેની વિગત હવે પછીના સોપાનમાં દર્શાવવામાં આવી છે.
પ્રયોગકાર્યની રૂપરેખા :
ક્રિયાત્મક સંશોધનનુ આ ખુબ જ મહત્વનું સોપાન છે. શિક્ષક માત્ર ઉત્કલ્પનાઓ રચીને અટકી જાય તો સમસ્યાનો ઉકેલ મેળવી શકતો નથી, પરંતુ સમસ્યાના ઉકેલ માટે રચેલી ઉત્કલ્પનાઓની ચકાસણી માટે શું કરશે, તેમાં કેટલો સમય લેશે, ક્યા ક્યા સ્રોતનો ઉપયોગ કરશે વગેરે બાબતનું આયોજન એ પ્રયોગકાર્યની રૂપરેખામાં દર્શાવવામાં આવે છે. પ્રયોગકાર્યનું અમલીકરણ કરવામાં અનુકુળતા રહે તે હેતુસર નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રૂપરેખા તૈયાર કરવી જોઈએ.
- સમય નિર્ધા૨ણ (કુલ કેટલા દિવસોલાગશે તે.)
- શૈક્ષણિક પ્રવૃતિઓ, પ્રયુક્તિઓ
- સમયપત્રક
- સ્રોત
- મુલ્યાંકન
પૃથક્કરણ અને અર્થઘટન :
શિક્ષણપ્રક્રિયાની વ્યક્તિમાં થતી અસર અમુર્ત સ્વરૂપની હોય છે. ખાસ કરીને શિક્ષણની સુધારણા માટે હાથ ધરેલા પ્રયોગની અસર માત્ર નરી આંખે માપી શકાય નહિ. તેથી મુલ્યાંકન પ્રવિધિ માટે ઉપયોગમાં લેવાતી તમામ પ્રયુક્તિઓનો આધાર લઈ મુલ્યાંકન કરવું પડે છે. તેવી જ રીતે આપણે વિદ્યાર્થીઓની જે નબળી બાબતો જે તે, જે કોઈ ઊણપો, ખામીઓ કે ક્ષતિઓ સામાન્ય રીતે જોવા મળતી હોય તે કે પછી શિક્ષણમાં કોઈ પણ વિષયમાં નોંધપાત્ર કચાશ જોવા મળતી હોય તેમાં સુધારો કરવા માટે ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ છે. તેમાં સંશોધનના ભાગરૂપે કરેલા પ્રયોગથી ખરેખર સુધારો થયો છે કે કેમ તે જાણવુ જરૂરી છે મુલ્યાંકન માટે ખાસ કરીને વિદ્યાર્થીઓની લેખિત સામગ્રી તેમજ અધ્યયન ટેવોનું અવલોકન, વિદ્યાર્થીઓ દ્વારા થતા મહાવરાનું અવલોકન, વિવિધ વિદ્યાર્થીઓના જોડણીદોપ ઘટ્યા છે કે કેમ? વિદ્યાર્થીઓની અનિયમિતતા ફરિયાદ દુર થઈ કે કેમ? ગણિત વિષયની સંકલ્પનાઓની સમજ સ્પષ્ટ થઈ કે કેમ? વિદ્યાર્થીઓની સક્રિયતામાં વધારો થયો કે કેમ ? આમ, મુલ્યાંકનથી ક્રિયાત્મક સંશોધનની સફળતાનો સાચો ખ્યાલ આવે છે, જેની સંશોધક નોંધ સ્વરૂપે રજુઆત કરી શકે છે.
તારણ અને અનુકાર્ય :
તારણ, પરિણામ અને અનુકાર્ય એ ક્રિયાત્મક સંશોધનનાં અગત્યનાં અંગ છે. સમગ્ર પ્રયોગના અંતે સંશોધકને કેટલા અંશે સફળતા મળી છે તેનું મુલ્યાંકનના આધારે તારણ આપી શકાય છે. કેવું પરિણામ પ્રાપ્ત થયું તે દર્શાવી શકાય છે. આ પરિણામને ધ્યાને રાખતાં હવે પછી શિક્ષકે પોતાના કાર્યમાં કેવી રીતે આગળ વધવું, શું- શું અનુકાર્ય કરવું તે નક્કી કરી શકાય. અનુકાર્ય એ ક્રિયાત્મક સંશોધનનું હાર્દ છે. અનુકાર્ય વગર કોઈ પણ કાર્યક્રમની અસરને સામાન્ય સ્વરૂપ આપી શકાતું નથી, પરંતુ અનુકાર્યથી આ અસરને કાયમી બનાવી શકાય છે.
આમ, ક્રિયાત્મક સંશોધન હાથ ધરનાર શિક્ષકે ઉપરોક્ત આઠ સોપાનો મુજબ આગળ વધવાનું હોય છે . આમ કરવામાં આવે તો જ તેને વૈજ્ઞાનિક ઢબે - અનાત્મલક્ષી રીતે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે પુર્વગ્રહ વગર ઠોસ પ્રયાસો વડે સમસ્યાનો ઉકેલ મેળવેલો ગણાશે.
ક્રિયાત્મક સંશોધનના નમુના : Click Here